Friday 27 November 2015

આંગણાનાં મિત્રો અને મહારાણી

 


હું ગોદડાં ખેંચીને મારા ઓરડામાં સુતો હતો.  સવારનાં નવ  સાડા નવ થયા હશે.. કાંઈ સળવળાટ થયો.  કોઈ મારી ઉપર દોડી રહ્યું હોય,  કોઈ નાનું જીવ હોય એવું લાગ્યું. મારી આંખ ખુલી ગઈ. મેં મોઢા પરથી ગોદડાં હટાવી જોયું તો મહારાણી. ! (હા,  મહારાણી એટલે મારી મિત્ર ખિસકોલી.  મેં એનું નામ મહારાણી પાડયું છે.  અને એનો રુઆબ પણ એવો છે,  મહારાણી જેવો.) જેવા મેં ગોદડાં હટાવ્યાં કે મહારાણી મારાં પરથી ઉતરીને થોડે દૂર બારણાં પાસે જઈને બે પગે ઊભી રહી મારી તરફ આદેશ આપતી જોઈ રહી.  મને જરા હસવું આવ્યું.


પાછો હું ગોદડાં ઓઢી સુઈ ગયો. સવારે ઠંડીમાં ગોદડાંની હુંફ એટલી પ્રિય લાગે કે પથારી છોડવાનું મન જ ન થાય. (જોકે ગુલાબી ઠંડીમાં કોઈ ગુલાબી ગોરી ગોદડાંમાં સાથે હોય તો તો એ હુંફનું પૂછવું જ શું. ! પણ આવા આપણાં નસીબ કયાં. ?) જેવું મેં  પાછું લંબાવ્યું કે થોડી વારે ફરી મહારાણી મારાં પર ઉછળ કૂદ કરવા લાગી. આમથી તેમ દોડા દોડ કરે અને તીણા ખિખીયાટા કરતી જાય. મને થયું કે હવે આ મહારાણી સુખથી સુવા નહીં દે. મેં ગોદડાં હટાવ્યાં કે મહારાણી તરત ઉતરીને જઈ બારણાં પાસે ઊભી રહી ગઈ.  ત્યાં બે પગે ઊભી રહીને તીણા અવાજે સીસોટાં મારવા માંડી અને વારે વારે મારી તરફ જોઈ રહી.  જાણે કહેતી ન હોય કે;  “એય…….. આળસુ. .! ઊભો થા. હજી પડ્યો છે પથારીમાં. ! ચણ આપવાનો સમય થઈ ગયો છે ખબર નથી પડતી. ?” હું ઊભો થયો અને એ દોડીને દરવાજાની નીચેની ખુલ્લી જગ્યામાંથી બહાર નીકળી ગઈ.  જાણે કે મને ઉઠાડવાં જ આવી ન હોય. ! શું એનાં બીજા મિત્રો પક્ષીઓએ જ મને ઊંઘમાંથી ઉઠાડવાં જ મોકલી હશે કે. .?

છેલ્લા બે મહિનાથી હું રોજ મારાં આંગણમાં  પંખીઓ માટે ચણ નાખું.  ઘઉં, બાજરો કે ઠંડી રોટલીનાં ટુકડા તેમજ બિસ્કીટનાં ટુકડા વગેરે જેવું રોજ સવારે નવ સાડા નવની આસપાસ આ મારાં આંગણમાં આવતાં મિત્રો માટે નાખું. આંગણનાં મિત્રોને આજે ચણ નાખવામાં જરા મોડું થયું કે મહારાણી પહોંચી આવી મને ઉઠાડવાં અને ધમકાવવાં. કદાચ તેઓ બધાએ ભેગા મળીને મોકલી હશે.

શરૂઆતમાં થોડાંક કબૂતર, હોલાં, અને ચકલીઓ  તેમજ કાબરો આવતી થઈ. પાંચ-સાત દિવસો બાદ  આઠ દસ લૈલાઓ,  બે નોળીયા અને એક ખિસકોલી આવતાં થયાં. શરૂઆતમાં બધાં થોડાં મારાથી ડરતાં. ધીરે ધીરે એમનો ડર ઘટતો ગયો અને હવે તો તેઓ મારી ખુબ જ નજીક ચણતા, ફરકતા રહે છે. લૈલઓ તુરડડડ…. તુરડડડ….. કરી આમથી તેમ રખડ્યાં કરે.  તેઓ ચણ ચણવા કરતાં વધુ વાડમાં જીવડાંઓ પાછળ જ પડી રહે.  અને કાંઈ એરુ કે બિલાડી જેવો ખતરો ભાળે તો લૈલાઓ ગામ આખું માથે લે.  રાડારાડી કરી બધાને ચેતવી દે.  કબૂતરો આમ તો શાંતિથી ચણ્યાં કરે. પણ કયારેક કયારેક ઘુ….ઘુ….ઘુ… કરી પોતામાં મસ્તી પણ કરે.  ચકલીઓ ચીં….ચીં….ચીં…. કરતી જાય અને ચણતી જાય.  ચણતી ચણતી વળી ફુરરર્…… કરતાં ઉડીને બાજુનાં વિજળીનાં થાંભલે જાય કે આંગણમાંનાં લિંબડાનાં ઝાડ પર જાય. વળી થોડી વારે પાછી આવે ઉડતી ઉડતી ચણવા.  અને આ કાબરો. ! તોબા હો. ! જયારે જુઓ ત્યારે પોતપોતામાં ઝગડ્યાં કરે. બીજા બધાને પણ ધમકાવે કે કયારેક હાંકી કાઢે. જોકે એમનો કર્કશ કલબલાટ પણ આનંદ આપે.  હોલાં તો ગળું ફુલાવી ઘુઘુ ઘુઘુ કરતાં એક બીજાની પાછળ પડે.  ચણ ખાઈને હોલાં આખો દિવસ વિજળીનાં તાર પર જ ઝુલ્યાં કરે.

મારાં આંગણાનાં મિત્રોમાં બે નોળીયા પણ ખરાં. આમ તો ખુબ જ ડરપોક બંને. હજીય ઘણાં દુર દુર ભાગે.  છેટે ઊભા ઊભા મને જોયા કરે. પછી ધીરે ધીરે  ડરતાં ડરતાં આવી એકાદ રોટલી કે બિસ્કીટનો ઉપાડી ભાગે વાડ તરફ.  અને વાડની અંદર ઘૂસી જાય.  કદાચ રહેતા પણ એ વાડમાં જ હશે. થોડી વારે એ ટુકડો ખાઈ લે એટલે ફરી વાડની બહાર આવે અને ચોરની માફક છુપાઈ છુપાઈને ફરી એકાદ ટુકડો લઈ ભાગે. હા,  હમણાં બે ચાર દિવસથી બે કાળી ચકલીઓ પણ આવે છે ચણવાં. આ કાળી ચકલીઓને આપણે ત્યાં દેવ ચકલીઓ પણ કહે છે.  એની પૂંછડી નીચે એક લાલ ટપકું પણ હોય. કદાચ એટલે જ એને દેવ ચકલી કહેતાં હશે. ?  આ દેવ ચકલીઓ ચણે ઓછું ને ફરે વધારે.   ટિંઉઉઉ.. ટિંઉઉઉ..  બોલતી જાય અને સતત પુંછડી ઊંચી-નીચી કર્યા કરે. થોડી વાર થાય કે ઊડીને જાય લિંબડાની ડાળી પર. આ આંગણાનો લિંબડો આ બધાનો દોસ્ત અને ઘર.  જોકે લિંબડો હજુ એવડો મોટો નથી પણ તોય આ બધાને હસતાં હસતાં સમાવી લે છે.

આ બધા આંગણાનાં મિત્રોમાં મહારાણી સૌથી વધુ તોફાની અને  બહાદુર.  શરૂઆતમાં થોડાંક દિવસ  ગભરાતી જરૂર પણ ધીરે ધીરે એ પાસે આવતી ગઈ.  શરૂઆતમાં એકાદ ટુકડો મોઢામાં લઈ જલ્દી જલ્દી ભાગતી  અને થોડે દૂર જઈ પત્થર પર બેસી ખાઈને પાછી આવતી. ધીરે ધીરે મારી ખુબ નજીક આવતી ગઈ અને હવે તો મારાં હાથમાંથી પણ ટુકડો લઈ ભાગી જાય.  એમ થોડાક દિવસોમાં એ મારાં ઓરડા સુધી આવી ગઈ.  અને હવે તો મારાં ઓરડાને જ પોતાનું કાયમી ઘર બનાવી ત્યાં જ રહે છે. જ્યારે હું ઓરડામાં આવું ત્યારે જરા માથું ઊંચું કરી મને જુએ અને અજબ હાવભાવ બતાવે.  જાણે કહેતી ન હોય; “એય…. તું કોણ છો.  ? મારાં ઘરમાં કેમ ઘુસી આવ્યો. ?” અને પછી  જેમ મારાં પર દયા ખાઈ મને ઘરમાં રહેવા દેતી હોય એમ પુંછડી હલાવી સહમતી આપી પોતે બારી પાસે ટેસથી લંબાવી દે. મારાં ઓરડાની બારી એ મહારાણીનો બેડ. એ તરફ કોઈ ભૂલથીય જાય તો તે રાડારાડી કરી મુકે.

ગઈકાલે સાંજે હું જેવો બારણો ઉઘાડી ઓરડામાં ઘુસ્યો તો સામે જોયું મહારાણી બારી પાસે બેસી બિસ્કીટનો ટુકડો ખાઈ રહી હતી. ઘડીક મારી સામે જુએ ઘડીક બિસ્કીટ ખાય. મેં આસપાસ નજર કરી તો એણે ઓરડામાં ખૂબ કચરો કરી દીધો હતો. જ્યાં ત્યાં બિસ્કીટનાં ટુકડા અને ભુક્કો વરાયેલાં પડયાં હતાં. મેં સવારનાં ચાય સાથે ખાઈને મુકેલા બધા બિસ્કીટની તેણીએ ટેસથી ઉજાણી કરી હતી. મેં સાવરણી લઈ પથારી ઝાટકી અને ઓરડો વ્યવસ્થિત કર્યો ત્યાં સુધી મહારાણી બારી પાસે બેઠી બેઠી બિસ્કીટનો ટુકડો ઓહિયો કરી ગઈ..!  પછી ઠેકડા મારતી બારે ભાગી ગઈ.

થોડા દિવસો પહેલાંની વાત છે.  હું ત્રણેક દિવસ માટે બહારગામ ગયો હતો. ઘરે પાછો ફર્યો  તો મહારાણી ખિસકોલી દરવાજે જ સામે મળ્યાં. મોડો આવ્યો હતો અને જરા થાકેલો પણ હતો એટલે જલ્દી જલ્દી ખાઈ-પીને મેં તો લંબાવ્યું પથારીમાં.  થોડીવાર થઈ હશે કે મારાં પગ પાસે સ્પર્શ થયું અને પછી કાંઈ સળવળાટ થયો. હું ડરી ગયો અને ઝબકીને જોયું તો મહારાણી ખિસકોલી. ! ઓરડામાં આમતેમ દોડી દોડીને તેણીએ ધમાચકડી  મચાવી દીધેલી. મને થયું કે આજ આને શું થયું છે. ? શું રાત્રે પણ આને સુખ નથી જરા વાર ઝંપીને  બેસવાનું. ? થોડી વાર એ બારી પાસે જઈ ઊભી રહી અને મને ટગર ટગર જોયા કરે. મેં તો પાછું ગોદડું  ખેંચ્યું.  ફરી આંખ લાગી જ હશે કે મારાં માથા પાસે ઘુસર-પુસર થવા લાગ્યું.  અને પછી તો મારાં પર જ દોડવા લાગી. મને ખુબ ગુસ્સો આવ્યો અને ગોદડાં હટાવતાં ઊભો થયો.  અને એ ભાગી બારી તરફ ત્રીં… ત્રીં… કરતાં. ત્યાં જઈને બારી પાસે બે પગે ઊભી રહી અને મારી તરફ જોઈ તીણો અવાજ કાઢવા માંડી.  મને થયું કે ભૂખી છે એટલે ફાં ફાં મારે છે. રોટલીનાં બે ચાર ટુકડા કરી બારી નજીક જઈ નાખ્યાં ને હું સુઈ ગયો. બસ,  પછી આખી રાત મને એણે શાંતિથી સુવા દિધો.

સવારે ઊઠીને જોયું તો મહારાણી તો કયાંક ફરવા ગયેલા.  અને રાત્રે નાખેલા રોટલીનાં બધા ટુકડા ગાયબ. મને થયું કે હું ઘરે હતો નહીં એટલે  મહારાણીને ખાવાનું મળ્યું નહીં હોય અને ખૂબ ભુખી હશે  એટલે મને સુખથી સુવા નતી દેતી. જેવા રોટલીનાં ટૂકડા ખાવા મળ્યા કે મજાથી ખાઈ એ સુઈ ગઈ અને મને પણ સુવા દિધું.  એક ખિસકોલી જેવો જીવ પોતાના અધિકાર માટે આ રીતે લડી શકે છે તો આ માણસ કયારે પોતાના અધિકાર માટે લડશે. ?  પોતે ધરાઈને ખાઈને સુઈ જતાં  નેતાઓ કે ઉદ્યોગપતિઓ સામે ભૂખ્યાં મજુરો,  ખેડૂતો,  કે પ્રજા કયારે ખિસકોલી જેવી હિંમત કરશે. ? પોતાનાં અધિકારી કેમ મેળવવા તે આ મહારાણી ખિસકોલી પાસે શીખવા જેવું છે.

આજ બપોરથી મહારાણી પોતાની બીજી એક સખીને સાથે લાવી છે. મહારાણીએ તેણીને કહ્યું હશે કે ચાલ એક ડરપોક કવિડો મળ્યો છે. થોડોક હેરાન કરશું, ડરાવશું ધમકાવશું એટલે તરત ખાવાનું આપશે. અને ઘરમાં ખૂબ જગ્યા છે મજાથી રહેશું અને કવિડાને મજા ચખાડશું.

આ આંગણાનાં મિત્રોનું કેવું મસ્ત જીવન છે ને. !  અને આ મહારાણી તો કેવી રુઆબદાર અને જાજરમાન. ! આ બધા આંગણાનાં મિત્રો ઘરનાં સદસ્યો જેવા જ છે. અને આજકાલ રોજરોજ એમાં થોડો થોડો વધારો થતો જાય છે.

No comments:

Post a Comment