Friday 27 November 2015

બરે તો રોવું આવે ને !!



સવારે વહેલા ઊઠી,  ચાય પીને દોડવા ગયો.  ઝાંખુ ઝાંખુ અજવાળું થયું હતું. અડધું ગામ ઊઠી ગયું હતું.  આમ પણ ગામ આખું ખેડૂતો, માલધારીઓ અને મજૂરોનું એટલે સહેજે લોકો વહેલી સવારે ઊઠી જાય. હું હંમેશ મુજબ ‘રતો તરા’ તળાવ સુધી દોડીને જઈને પાછો ફર્યો, અને ઘરનાં આંગણે પસીનો સુકાવવા જરા ટહેલતો હતો.

ત્યાં જ પાડોશમાંથી સંભળાયું, ‘રન…….  ઊથ્થી હાણે,  તોજો પે દીં મથ્થે આયો*. ‘

આ મેણા ફોઈ હતાં મારા પડોશી.  પોતાની દીકરી ધરીયા ને સવારે ઊઠાડતાં હતાં. પછી તો મેણા ફોઈએ નોનસ્ટોપ કોમેન્ટરી ચાલુ કરી દીધી.

ધરીયા મેણા ફોઈની પંદરેક વર્ષની છોકરી. દેખાવે થોડી શ્યામવર્ણની, પણ ભરાવદાર અંગની. એની છાતી પર ઉપસી આવેલાં અને ઝંફરમાંથી* બહાર નીકળવાં ફાટ ફાટ કરતાં ઉરોજ કેટલીય વાર છુપાઈ છુપાઈને, ટીકીટીકી જોયા છે. જાણે કે ભાદરવામાં કોઈ કાળિંગાની વેલમાં કાચા કાચા, નાના નાના કાળિંગા લચી પડયાં હોય.! ધરીયા ખૂબ ઊંઘણશી, સવારનાં જલ્દી ઊઠે નહીં અને પછી મેણા ફોઈ  પોતાના આગવા મિજાજમાં પરખાવીને ઊઠાડે.

‘રન(રાંડ)’ શબ્દ જેવો મારાં કાને પડે કે તરત મને બે વર્ષ અગાઉનાં ભુજના એ દિવસો યાદ આવે.  ત્યારે ભુજની કોર્ટમાં મારા પર આઠેક કેસ ચાલે. મહીને આઠ દિવસ કોર્ટમાં હાજર રહેવું પડે. તેથી  લખપતથી ભુજ દોઢસો કિમી લાંબા થવું પડે.  એટલે ભુજમાં કયાંક રુમ ભાડે રાખી રહેવાનું મુનાસિબ માન્યું. ભુજનાં ગણેશનગર જેવા પછાત અને ગરીબ વિસ્તારમાં હજાર રૂપિયા મહિનાનાં ભાડે એક પતરાવાળો ઓરડો મળી ગયો. બાજુના ઓરડામાં ત્રણેક ડિપ્લોમા કરતાં વિદ્યાર્થી રહે.

અમારી સામે લીલા માસીનું ઘર. લીલા માસી વિધવા. તેમને એક છોકરો સુરો, વીસ-બાવીસ વર્ષનો. અને એક સોળેક વર્ષની દિકરી સોના.  સુરો કામ કાંઈ કરે નહીં. પાછળ હિલગાર્ડન પાસે આવેલા મીઠું કોળીનાં અડ્ડે જઈ દારૂ પીને પડ્યો રહે. લીલા માસી લોકોના ઘરે કપડાં, વાસણ ધોવાનું કામ કરે. કયારેક સોનાને પણ સાથે લઈ જાય. સોના હમણાં જ દસમાં ધોરણમાં ફેલ થયેલી. દેખાવે ખૂબ જ રૂપાળી,  થોડી જાડી પણ એકદમ ગોરી ગોરી. સોળ વર્ષની લાગે નહીં,  અઢાર ઉપરની લાગે. સોના ઘરનું બધું કામ કરે, નવરી પડે કે ભરત ભરે.

મારી બાજુના ઓરડાવાળાં વિદ્યાર્થીઓ લીલા માસીને ત્યાં જમે. મહીને એક જણનાં પંદર સો બાંધેલા. મેં પણ ત્યાં જ બંધાવ્યું. સોના રોટલી ઘડતી જાય ને લીલા માસી અમને ચારે જણને પીરસે. અને સાથે સાથે એમની અસ્ખલિત અમૃતવાણી શરૂ થાય.

‘એલા તારું નામ હું.?’ લીલા માસીએ રોટલી મારી થાળીમાં નાખતાં પુછ્યું.

‘સાવજ….. સાવજરાજ. ‘ મેં કોળિયો ઉતારતાં ઉતારતાં કહ્યું.

‘મુઆ, આ તારું નામ બોરું કાઠું. !’ માસી બોલ્યાં. ‘મું તુને ઈયો હોઢો કહીશ. ‘

મેં સહમતીમાં માથું ધુણાવ્યું. અને થોડી વારે શાક તીખું લાગતા અચકાતાં અચકાતાં પુછ્યું, ‘માસી ગોળ હશે. ?’

‘ઈ તે કાંઈ અમારે લોજ છે તી ગોળ-ઘી ખવરાવીએ.!? મહીને પંદર સોમાં ઘી ગોળ ન આવે. !’ માસી આંખો કાઢીને ગુસ્સામાં બોલ્યાં, અને બાજુ વાળાની થાળીમાં રોટલી જોરથી પછાડીને નાખી.

‘બાઈ ગોળ સે ઈસ્ટીલનાં ડબ્બામાં.’ સોનાએ રોટલી વણતાં વણતાં વેલણથી પાળીમાં ડબ્બો ચિંધતા બોલી.

‘મુઈ રાંડ….. પછી આપણે વધશે હું. .? બાપાનું વા’ણ..? તારાં બાપનાં દિકરા છે તી બધાને ગોળ-ઘી ખવરાવતી ફરે સે. ! આવડી ઢગ્ગી થઈ પણ અકકલનો શાંટોય નથ. ‘ માસી ડબ્બામાંથી ગોળની બે કાંકરી મારી થાળીમાં નાખતાં ગુસ્સામાં ધુંઆપુંઆ થતાં બોલ્યાં.

મેં સ્વમાન બાજુએ રાખી ગોળ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ને લીલા માસીએ સોના પર. ! સોના માથું નીચું કરી મોડે મોડે બોલતી, ‘બાઈ શરમ કર જરા. છોકરાં બારે વાતું કરશે કે બાઈ કેવી ગારું આપે સે.’

સોના સદાય હસ્યા જ કરતી.  શરૂઆતમાં અમારી નજર મળતી તો બસ જરા એકબીજાને સ્મિત કરી દેતાં. પણ હજી સુધી કોઈ વાતચીત નતી થઈ. સોના બપોરે રસોઈ કરી, વાસણ ધોઈ કરી પછી ભરત લઈ પોતાનાં ઘરમાં બારણાં પાસે બેસી જતી. લીલા માસી ફરી ગામમાં વાસણ કરવા જતાં.  અહીં હું મારાં ઓરડામાં ચોપડી લઈ વાંચવા બેસતો. વારે વારે દરવાજા તરફ સરકી સામે સોના તરફ જોઈ લેતો.  એકબીજાની નજર મળતી. જરા ડર અને શરમ પણ અનુભવાતું.!

બે ચાર દિવસ પછી હું ચોપડી લઈ એ દેખાય એમ મારાં ઓરડામાં સામે જ બેસતો. થોડી થોડી વારે ચોપડીમાંથી માથુ ઊંચું કરી સામે સોના તરફ જોઈ લેતો. જેવી તે મારી તરફ જોતી કે હું તરત નજર ચોપડીમાં નાખી દેતો. ! એ પણ વારંવાર ભરત ભરતાં ભરતાં મારી તરફ નજર કરતી. અને જેવો હું  એ તરફ જોઉં કે તે તરત જ ભરતમાં આંખ પરોવી દેતી. આમ આંખોની લુકાછુપી દસેક દિવસ ચાલી હશે અમારી વચ્ચે.

એક દિવસ હું સવારે મોડો ઊઠ્યો. બ્રશ કરવાં અને મોઢું ધોવા ઓરડાની બહાર નીકળ્યો. જોયું તો સામે મોરી પર સોના વાસણ કરતી હતી. એણે સામે જોઈ સ્મિત આપ્યું. હું પાણીનો કળસીયો ભરી થોડે દૂર બ્રશ કરવાં બેઠો. હું બ્રશ કરી શૌચાલયમાં બહાર આવ્યો, તો જોયું સોના વાસણ ધોઈ અંદર ચાલી ગઈ હતી. હું મારાં ઓરડામાં આવી પૈસા લઈ બારે ચાની હોટલ પર ચાય પીવા નિકળ્યો કે સામે સોના ઊભી હતી.  અને બોલી, ‘ચા પીધી. .? ‘

‘બસ,  જાઉં જ છું પિવા.’ મેં જવાબ આપ્યો.

‘મેં ચડાવી જ છે.  અહીં જ પી લો. ‘ એ બોલી.

મેં થોડી વાર એની સામે જોયું. શું બોલવું એ સુઝ્યું નહીં.  એટલે ‘હંમ્મમ…… ‘ એટલું બોલી મારાં  ઓરડાનાં દરવાજે બેસી ગયો. થોડી વારે એ અડધો વાટકો ભરી ચાય લાવી મને આપી. મેં ચાય ને ઠંડી કરવાં વાટકો નીચે પટમાં મૂકી દીધો.  એ પોતાનો વાટકો ભરી આવીને પોતાના ઘરનાં બારણે બેસી ચા પીવા લાગી.  અને મારી તરફ જોઈ ઈશારાથી પુછ્યું, ‘શું થયું. ?’

‘ચાય ગરમ છે. મને ઠંડી ચાય ખપે.’ હું ચાયને ફૂંક મારતાં બોલ્યો.

એ હસતાં હસતાં ચાય પીતી રહી.

હું નાહી ને કામથી બહાર ગયો. બપોરે પાછો આવ્યો તો જોયું મેં નાહી ને બાથરૂમમાં મુકેલા મેલા કપડાં ધોવાઈને બારે સુકાતા હતાં. મને જરા નવાઈ થઈ કે કોણે ધોયા હશે. !?

ઓરડામાં હજી પગ મૂક્યો કે પાછળથી લીલા માસીએ રાડ નાખી. ‘ એય હોઢા…., ખાઈ લે.  ઈમ લાટસા’બની જિમ મજા આવે તંઈ આવો ઈ નહીં હાલે. ! અમે તે કાંઇ તમારાં નોકર નથ. ‘

મેં પાછા ફરી જોયું તો લીલા માસી પોતાનાં ઘરમાં બારણાં સામે બેસી જમતાં હતાં. હું જલ્દીમાં બોલ્યો,  ‘ હા,  હમણાં આવું.’

હું જલ્દી જલ્દી હાથ પગ ધોઈ,  કપડાં બદલી ત્યાં ગયો. માસીએ જમી લીધું હતું. અને બપોરે જરા આરામ કરવાની તૈયારી કરતાં હતાં. મને જોઈને,  ‘મુઆ…. બપોરે જરી વાર હખ કરવાએ ની દે.’ સોનાને કહેતાં,  ‘એય.. છોરી,  કયાં મુઈ. ? આ છોરાંને ખવરાવી દે.’

માસી કાંઈ બડબડ કરતાં બીજાં ઓરડામાં ચાલ્યાં ગયા. સોના આવી મને થાળી પીરસી આપી. એક વાટકીમાં થોડાં ઘી ગોળ પણ આપ્યાં. હું જમતો હતો ને એ બાજુમાં બેઠી હતી. ઘડી ઘડી મને પુછતી, ‘કાંઈ ખપે. ?’

ખાતા ખાતા એને જોઈ પણ લેતો  અને એ સાવધાની પણ રાખી કે ધીરે ધીરે અને નાના નાના કોળિયા ભરું જેથી એને એમ ન થાય કે હું ડુચ્ચાં ભરીને ડચ્ચર ડચ્ચર ખાઉં છું.  સોનાથી વાત કરવાની ઈચ્છા થઈ પણ બાજુના ઓરડામાં લીલા માસી સુતા હતાં એટલે હિંમત ન ચાલી.

બપોર પછી માસી વાસણ કરવા ગયાં.  હું બસ એની જ રાહ જોતો હતો. પોતાના ઘરમાં બારણાં પાસે બેસી ભરત ભરતી સોનાને મેં પુછ્યું,  ‘ મારાં કપડાં કોણે ધોયા. ?’

દાંતથી જરા દોરાને કાપી સોયમાં પરોવતાં એ બોલી,  ‘મેં ધોયા.’ અને દાંતથી કાપેલા દોરાને દૂર થુકતાં એણે મિજાજથી જરા ભમ્રર ચડવ્યાં.!

‘પણ કેમ. .? માસીને ખબર પડશે તો વઢશે તને. અને મને પણ ગાળો આપશે.’

‘અમારાં લુગડાં ભેરાં તારી એક મડ ધોઈ એમાં કાંઈ મારું લોહી ઓછું નઈ થઈ જાય. ! ને બાઈ ને ખબર નઈ પુગે. બીતડો શિયાળ..!’ મારી સામે ડોળા કાઢતા સોના બોલી.

હું ચૂપ જ થઈ ગયો.  થોડી વારે  આંબલીનાં ચાર પાંચ કચીકા મારી તરફ ફેંકતા બોલી,  ‘કચીકા ખાવા સે. ?’

મેં મોઢું ચડાવતાં એકાદ કચીકો ખાધો.  કચીકા મજબૂત હતાં,  દાંતથી તૂટતાં નતાં. એ ધીમું ધીમું મારાં પર હસ્યા કરતી હતી.

લીલા માસી હંમેશા એને રાંડ,  મુઈ કહીને  બોલાવતાં પણ એ ખોટું ન લગાડતી. હસ્યા કરતી. એ મારાં કપડાં ધોતી, કયારેક ચાય બનાવી આપતી, કયારેક બોર ખાવા આપતી,  વળી કાંઈ કોઈ ખાવાનું લાવ્યું હોય તો મારાં માટે થોડું રાખતી. જોકે બધું લીલા માસી થી છુપાઈને કરતી. !

એકાદ વાર મને શરદી થઈ હતી,  થોડું તાવ જેવું પણ હતું. લીલા માસી જેવાં ઘરથી બહાર કામ કરવા નીકળે કે  સોના તે તરત મારાં ઓરડામાં ઘુસી આવે. છાતી,  કપાળ, હાથ અને પગ પર બામ ઘસી દે. મને જરા શરમ આવતી એટલે ના પાડતો પણ મારું ન માનતી કે સાંભળતી. ગોળીઓ સમયસર ખવડાવતી એ પણ ગુસ્સામાં ધમકાવીને. અને વળી કહેતી પણ ખરી,  ‘મુઆ તાવ,  શરદી અમને કદી નથ થતા. ! વરી આવાં પોચટાને થાય તે અમને બરતરાં.!’

મને તાવ શરદી મટી કે બે દિવસ રહીને એને થઈ,  પણ એ મારાથી ખૂબ મજબૂત. ન કળવા  દે કે ન આરામ કરે. ! નાક પણ બંધ પડી ગયેલું, બોલે તો જીણું જીણું.  અવાજ શરદીથી બેસી ગયેલું. મને કહે,  ‘તમારી શરદી મુને ચોંટી. ભલે મુઈ આઈ હુખી થાય.! થાકીને ભાગી જાહે.’

બે મહિના થયાં ત્યાં મને.  હવે મારે જવાનું હતું.  મેં એને કહ્યું હવે હું અહીંથી જઈશ.  એની આંખમાં ટશીયા ફૂટી આવ્યાં. થોડી થોડી વારે એની આંખમાં  પાણી આવી જતાં હું જોતો.  એક વાર લીલા માસી એના આંસુ જોઈ બોલ્યાં, ‘મુઈ હું થયું. ? કેમની રુએ સે. ?’

એ આંખો લુછતાં બોલી, ‘આ મુઓ ધુંઓ આંખમાં ગ્યો. આંખ બરે સે.  બરે તો રોવું આવે ને. !?’

બીજા દિવસે હું બેગ લઈ જવાં નીકળ્યો.  એ પોતાના ઘરનાં બારણે ઊભી હતી. કશું બોલી નહીં. બસ,  મને જોતી રહી, એકીટસે.. ન હું પુછી શક્યો કે તે શું કામ રડતી હતી.? કે શું મને પ્રેમ કરે છે. ?  ન તે કશું બોલી શકી…

હવે ભુજ જાઉં છું પણ એ તરફ ફરી જવાની હિંમત નથી. એ દિવસે સોનાનું મૌન ખૂબ બોલકું હતું પણ કદાચ મને સમજાયું નહીં. !


હવે જ્યારે મેણા ફોઈ ધરીયાને રાંડ કહે ત્યારે મને તરત સોના યાદ આવી જાય છે.

ટિપ્પણીઓ

————

*1) રાંડ. .. ઊઠ હવે.  તારો બાપ દી માથે આવ્યો.

*2)ઝંફર- રબારી કે ભરવાડ સમાજની યુવતીઓ કમરથી ઉપર પહેરતી ટોપ જેવું એક પહેરણ


No comments:

Post a Comment